 |
બરડા ડુંગરની ટેકરી પરથી ખીચેલી તસ્વીર |
રજાના દિવસો હતા બપોર થવા આવ્યા હશે ત્યાં મારા ગામના ૨-૩ મિત્રના ફોન આવ્યા કે આપણે હમણાં નવરા છે તો બરડા ડુંગરમાં જઈએ ..એટલે હું તો તૈયાર જ હતો ... અમે ગામના જ ૭ જણા જેમાં હું, રાજુ,સરમણ,મેરુ,કમલેશ,માંડો અને ધીરુ ઉર્ફે ધીરયો એટલા મળીને સાથે થોડો નાસ્તો લઈને ઉપડ્યા બરડા ડુંગરની સફરે ... અહીથી નીકળ્યા ત્યારે તો પ્લાનિંગ હતું કે સોન કંસારી અથવા તો આભપરા જવું છે પણ બરડાના નાકે પહોચ્યા એટલા અમારા ૭ જણા પૈકીના રાજુએ પ્લાન ફેરવ્યો કે આપણે સોન કંસારી કે આભપરા નથી જવું પરંતુ આપણે વેણુમાં જવું છે. વેણુ ડુંગર એટલે બરડાની ટોચ ગણાય છે.. બરડા ડુંગરમાં સૌથી ઉંચી ટેકરી હોય તો વેણુ ટેકરી અને ત્યાં માણસો પણ નહીવત પ્રમાણમાં જાય છે એટલે માનવ કેડી પણ આવેલ નથી ટેકરીઓ અને ભેખડો કુદીને વેણુ પર જવાઈ આવી કપરી પરિસ્થિતિ હોવાથી અમે સૌ થોડી વાર સંકલન કર્યું કે વેણુમાં જવું કે નહી આખરે સૌનો એકજ મત થયો કે વેણુમાં જ જવું ગમે ત્યારે પહોચ્યે કોઈ ઉપાદી નથી.
સૌ એ નક્કી કર્યા પછી, બરડા ડુંગરના નાકાથી પ્રવેશ કરીને બપોરે ૨ વાગ્યા આસપાસ અમે રાવણાનેશ પહોચ્યા સાથે લઇ ગયેલ નાસ્તો કરીને ત્યાં બાજુમાં જ ખોડીયાર માતાજીના સ્થાન પાસે આવેલ જર(ઝરણા) માંથી પાણી પીધું પછી એક રાણના ઝાડ નીચે અને અડધા લોકો રાણના ઝાડ પર આરામ કરવા બેઠા ..કલાકના આરામ બાદ બપોરે ૩ વાગ્યે ધોમ - ધખતા તડકામાં અમારી આગળની સફરની તૈયારી કરી અહી રાવણાનેશ સુધી તો પગ કેડી હતી હવે અહીંથી આગળ જવા માટે કોઈ કેડી હતી નહી અથવા તો મળતી ના હતી . અમારા ૭ જણા પૈકીના આગળ હાલતા ૨-૩ વ્યક્તિઓને જે બાજુ સરળ દેખાઈ તે બાજુ ભેખડ ચડતા જાય અમે બધા પાછળ - પાછળ ..ક્યાંક ટીંગાઈને ભેખડો ચડવી પડતી .. ક્યાંક ઝાડ,કાટા અને ઝાખરાઓથી બચવા માટે ચાર પગે ચાલવું પડતું .. ક્યારેક લપસીને ફરી નીચે પટકાઈ જઈએ તો પણ ફરી પાછું ઉપર ચડવાનું.
 |
રાવણાનેશ જે ઝાડએ આરામ કર્યો તે ઝાડ સાથેની તસ્વીર. |
***
પોરબંદર,દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લાના સંયુક્ત વિસ્તારમાં ૧૯૨ ચો.કી.મી. વિસ્તારમાં બરડો ડુંગર(પર્વત) આવેલ છે. બરડા ડુંગરમાં ૧૦૦થી વધારે નેશો આવેલ છે. બરડામાં વસવાટ કરતા માલધારીઓનો મુખ્ય વ્યવસાય પશુપાલન - ડેરીફાર્મ તેમજ બરડાના ફળ -ફળાદી, સુકા લાકડા વેચવા વિગેરે. બરડાના ૧૯૨ ચો.કિમી વિસ્તારમાં અનેક ટેકરીઓ, ઝરણા , ગુફાઓ આવેલ છે. જેમાં દરેક ટેકરીઓના અલગ- અલગ નામ આવેલ છે. અમુક ટેકરીઓ , સમતળ જમીનમાં માનવ વસાહત આવેલ છે. જ્યાં માનવ વસાહત આવેલ હોય તે જગ્યાને નેશ તરીકે ઓળખાય છે અને દરેક નેશના અલગ - અલગ નામ આપેલ હોય છે. દરેક નેશ, ટેકરીઓ અને ઝરણાઓના નામ પાછળ ભૂતકાળના બનાવો સંકળાયેલ હોવાનું મનાય છે.
બરડાના આજુ-બાજુના ગ્રામ જનોની લોક વાયકા મુજબ બરડા ડુંગરના વેણુ
(વેણુ ટેકરીનું નામ છે)માં એક માતાજીનું ભોયરું આવેલ છે, તેમજ અહી વેણુમાં અનેક સાધુઓ ઉપાસના કરવા આવે છે કોઈ પણ સાધુ બને તે ગીરનાર અને ત્યારબાદ વેણુમાં ઉપાસના/તપસ્યા ના કરે ત્યાં સુધી તેમની તપસ્યા પરિપૂર્ણ થતી નથી અને અહી વેણુમાં કાયમને માટે અનેક સાધુઓ ઉપાસના કરતા હોય છે અનેક જર્જરિત પૌરાણિક ભોયરાઓ આવેલ છે. અને આથીયે આગળ વાત કરીએ તો અહી કોઈ માણસ ભૂલો પડે અને એકદમ ભૂખ્યો કે તરસ્યો થાય તો ચમત્કારિક રીતે તેને અન્ન અને પાણી મળી જાય છે. આજે જ્યાં પાણીનો સ્ત્રોત મળ્યો હોય ત્યાં કાલે જાય તો કઈ જ ના હોય. બરડામાં વર્ષો સુધી સુકા લાકડા વીણતા એક વૃદ્ધ વ્યક્તિએ જણાવ્યા મુજબ " અમે બરડા ડુંગરના અલગ - અલગ ભાગમાં લાકડા લેવા માટે જતા અને તે લાકડાનો ભારો નજીકના શહેરમાં દોઢ - બે રૂપિયામાં વેચતા આ વાત સને ૧૯૫૦-૬૦ની આસપાસની છે. લાકડા કાપવા જઈએ ત્યારે સાથે પાણી લઇ જઈએ હવે એક વખત બન્યું એવું કે પાણી વહેલું પૂરું થઇ ગયું અમે વેણુની ટેકરીમાં પાણીની શોધ - ખોળ કરવા લાગ્યા. પાણીની તરસે આંખમાં અંધારા આવવા લાગ્યા એવામાં સામે જ એક તાજા પાણીની કુંડી ભરેલી દેખાઈ થોડી વાર તો અમે વિચાર કર્યો અહી આ તાજી પાણીની કુંડી કોણ ભરી ગયું હશે આવો વિચાર કરતા અમે તરસ બહુ લાગી હોવાથી ધરાઈને પાણી પીય લીધું પાણી પીયને લાકડાનો ભારો ઉપાડીને નીકળી ગયા. હવે બીજે દિવસે લાકડા લેવા માટે વેણુમાં જવાનું થયું એટલે પાણી ના લીધું કે કાલે જે કુંડીમાં પાણી પીધું હતું ત્યાજ આજે પણ પીય લેશું. લાકડા કાપતા - કાપતા પાણીની તરસ લાગી એટલે ગઈકાલ વાળી કુંડીએ પાણી પીવા માટે ગયા તો ત્યાં ના તો કુંડી હતી કે ના તો પાણી હતું. બીજા એક વ્યક્તિએ જણાવેલ વાત મુજબ એ વાત પણ ૧૯૫૦ - ૬૦ની આસપાસની છે, '' અમે વેણુમાં લાકડા કાપવા માટે જતા હતા ત્યાં રસ્તામાં એક શિવલીંગ દેખાઈ શિવ લીંગ પર તાજા ફૂલ ચડાવેલ હતા. એટલે અમને લાગ્યું કે અહી કોઈ સાધુ આવ્યો હશે કે કોઈ પુજારી હશે અમે શિવલીંગની આજુ - બાજુમાં તપાસ કરી કોઈ માણસ દેખાયું નહી એટલે વિચારમાં પડ્યા કે અહી માણસ તો કોઈ છે નહી તો આ શિવલીંગ માથે તાજા ફૂલ અને પૂજા કોણે ચડાવી હશે. બીજે દિવસે ફરી તે શિવલિંગના દર્શન કરવા ગયા તો ત્યાં શિવલિંગ હતી જ નહી. આવી અનેક રીતે વેણુ ડુંગર ચમત્કારિક હોવાની લોક વાયકાઓ અહી વર્ષોથી ચાલી આવે છે તેમાં સત્યતા કેટલી હોય તે કહી શકાય નહી.
*આ ફકરામાં જણાવેલ બરડાના વેણુની ચમત્કારની વાતો વર્ષો સુધી જે લોકો બરડા અને વેણુમાં ભટક્યા તેમના પાસેથી મેળવેલી વિગત છે તેમની વાતોની ખાનદાની જોતો તેઓ ખોટી વાત કરી શકે તેવું લાગતું નથી. છતાં પણ આ વાતોની અન્ય કોઈ ખરાઈ કરેલ નથી.
***
અમે ભેખડો, કાળા મોટા - મોટા પથ્થરો પાર કરીને પાંચ વાગ્યાની આસપાસ વેણુની મુખ્ય ટેકરીથી થોડા નીચેના ભાગે આવેલ ટેકરી પર પહોચ્યા, વેણુની મુખ્ય ટેકરી અમારી સામે જ હવે દેખાતી હતી પણ અહી સુધી પહોચવામાં સાથે લઇ આવેલ અમારું પાણી ખલાસ થઇ ગયું હતું મોટા ભાગના એમાય હું તો ખાસ થાકી ગયો હતો અને હવે આગળ વધવામાં ૧૦ - ૧૦ ફૂટ અને એથીયે ઉંચાઈના મોટા કાળા પથ્થર આવેલ હતા એટલે હવે અમારાથી આગળ જઈ શકાય તેવી શકયતા નહોતી આમ પણ સમય પણ સાંજના સાડા પાંચ છ વાગવા આવ્યા હતા જો વધારે ખોટી થઈએ તો અંધારું થઇ જાય અને ડુંગરમાં અંધારું થયું એટલે પૂરું નીચેની સમતળ જમીનમાં અથવા તો ખુલ્લી પગ કેડી હોય તો તો હજી અંધારમાં હાલી શકાઈ પણ અમે જે પથ્થરો અને જાળીઓમાં થઈને આવ્યા હતા એવામાં અંધારું થઇ જાય તો નીચે ઉતરવું વધુ મુશ્કેલ બની જાય એમ હતું. આખરે અમે વેણુની સૌથી ઉપરની ટેકરીમાં જવાનું માંડી વાળ્યું અને અમે વેણુના જે ભાગમાં હતા ત્યાંથી સોન કંસારી બાજુ ઉતરવાનું નક્કી કર્યું.
વેણુથી સોન કંસારી જતા રસ્તામાં આવતા કાચા કરમદા અને રાણના ફળ ખાવાની બહુ મજા આવી. કરમદાના ઝાડ નીચા હોય ઉભા - ઉભા ઝાડ માંથી કરમદા તોડીને ખાઈ શકાય પણ રાણના ઝાડ ઉંચાઈ પર હોય એટલે અમારા માંથી ૨ - ૩ વ્યક્તિ રાણનું ઝાડ દેખાઈ એટલે ઉપર ચડી જાય અને ખોબા ભરીને રાણ લઇ આવે આવી રીતે રાણ અને કરમદા ખાતા ટેકરીઓ પસાર કરીને અમે સાડા છ વાગ્યાની આસપાસ સોન કંસારી પાસે આવેલ ખોડીયાર માતાજીના થાન પાસે પહોચ્યા. અમે વેણુ બાજુ ઉપરના ભાગેથી આવ્યા હતા ખોડીયાર માતાજીનું થાન નીચે ઝર(ઝરણા)માં ઊંડું હતું. અમે ખોડીયાર માતાજીના થાન પાસે ઉપર ઉભા હતા પણ નીચે દર્શન કરવા જવા માટે અમારે લગભગ ૬૦ - ૭૦ ફૂટ ઊંડાઈ ધરાવતા ઝરણામાં ઉતરવું પડે એમ હતું ઊંડાઈ સીધી ના હતી થોડી લાંબી વળી ૫- ૧૦ ફૂટની સીધી ભેખડ આવે આ ઊંડાઈમાં પથ્થર પરથી લપસતા અને ઝાડ પકડીને નીચે ઉતર્યા. ઝરણામાં ખોડીયાર માતાજીના દર્શન કરીને ત્યાં બાજુમાં ખાડામાં એક જગ્યાએ પાણી આવેલ હતું તે સિવાઈ ઝરણામાં બીજે ક્યાય પાણી ના હતું. ખાડો શુદ્ધ પાણીનો ભરેલ હતો નાનકડો ખાડો ૪૦-૫૦ લીટર જેટલું પાણી હશે ખાડામાં , પાણી ભરી લ્યો એટલે ફરી પાછો ખાડો ભરાઈ જાય. પાણી પીયને થોડો આરામ ત્યાં કરીને અમારે હવે ઝરણું સામે કાંઠે ચડીને સોન કંસારીના ડેરા બાજુ જવાનું હતું અને ત્યાંથી સીધું ઘરે. સોન કંસારીના ડેરા બાજુ જવામાં ઝરણું ચડવામાં મુશ્કેલી ના હતી ત્યાતો સારી એવી પગ કેડી આવેલ હતી. તે કેડીએ થઈને અમે સોન કંસારી ગયા ત્યાં થોડી વાર આરામ કર્યો સમય સારો એવો થઇ ગયો હતો અંધારું થવા માંડ્યું હતું થોડું ઝાંખું દેખાતું હતું પણ હવે નીચે જવા માટે કેડી સારી હતી એટલે કોઈ ચિંતા જેવું ના હતું. ધીરે - ધીરે વાતો કરતા - કરતા નીચે ઉતરવાનું શરુ કર્યું સોન કંસારીથી અમે જે કેડીએ નીચે ઉતરતા હતા ત્યાં બરડો ડુંગર પૂર્ણ થાય ત્યાં ખૂણાના વીરડા નામનો નેશ આવે. ખૂણાના વીરડા હાલમાં કોઈ રહેતું નથી. પડી ગયેલા જર્જરીત અનેક મકાનો દેખાયા કોઈ મકાન છત વિના ઉભા હતા તો કોઈની એક બાજુની દીવાલ પડી ગઈ હતી. ખૂણાના વીરડાથી પસાર થઈએ એટલે અમારા ગામ મોખાણાની સીમ આવી જાય તે સીમમાં આવેલા ગોરળના ઝાડ પસાર કરીને અમારી પ્રવાસ યાત્રા પૂર્ણ કરીને અમે સાંજે ૮ વાગ્યાની આસપાસ ઘરે પહોચ્યા. પ્રવાસના થાક કરતા ભમ્યાનો આનંદ વધારે હતો, બરડાને નવી નજરએ જોવા મળ્યો તેનો અવિરત આનંદ હતો.
 |
બરડા ડુંગર |
 |
સોન કંસારી મંદિર |
 |
ખોડીયાર માતાજી મંદિર, સોન કંસારી પાસે |
 |
સોન કંસારી મંદિર |
* બહારથી આવતા પ્રવાસીઓએ બરડા ડુંગરમાં પ્રવાસ કરવા માટે વન વિભાગના સક્ષમ સતાધિકારી પાસેથી પૂર્વ મંજુરી મેળવવી પડે છે બરડા ડુંગરને વર્ષ ૧૯૭૯થી વન્ય પ્રાણી અભ્યારણ તરીકે સરકારશ્રીએ જાહેર કરેલ છે. બરડામાં હિંસક પ્રાણીઓ ખુલ્લા વિહરતા હોય છે.
આભપરા શિખર ક્યાં આવેલું છે? 1 દેવભૂમિ દ્વારકા 2 જામનગર
ReplyDeleteઆભપરા શિખર ઘુમલી ગામ, તા. ભાણવડ પાસે આવેલ છે, આ વેણુ શિખર આભપરા ની સામે દેખાય છે.
ReplyDelete